બોલિવુડની શરૂઆત દાદાસાહેબ ફાળકેની પૌરાણિક કથાનક પર આધારિત ફિલ્મ "રાજા હરિશ્ચંદ્ર"થી થઈ. તે સમયના સર્જકોના લોહીમાં ભારતીય વિચારધારા હતી.
પછી સડો પેસવાની શરૂઆત ક્યારથી થઈ તે નથી જાણતો. પણ ગઈકાલે રાત્રે યુટ્યુબ પર "ગાઈડ" ફિલ્મ જોઈ. બાળપણથી સાંભળતો આવ્યો છું કે દેવ આનંદની આ ફિલ્મ બોલિવુડમાં માઈલ સ્ટોન જેવી છે. તેથી વધારે કુતુહલ હતું.
ફિલ્મના કથાનકમાં સ્પષ્ટ જણાયું કે જાણે કે અજાણે ત્રણ ખોટા નેરેટિવ સેટ કરવાની કોશિશ થઈ છે.
એક તો ઘર છોડીને ભટકતા રાજુ ગાઈડને એક ભોળો ગ્રામજન સંત માની લે છે ત્યારે ગામના બે પંડિતો વિરોધ કરે છે. આ પંડિતો રાજુને "પૂર્ણમદ પૂર્ણમિદમ..."શ્લોકનો અર્થ પુછે છે તો સંત બનેલો રાજુ સામે અંગ્રેજીમાં અષ્ટમ પષ્ટમ બોલીને તેનો અર્થ પંડિતોને સામે પુછે છે. પંડિતો ગેંગેંફેંફેં થઈ જાય એટલે રાજુ "સ્વામીજી'નો જયજયકાર થાય છે. આનાથી શું સિદ્ધ થાય? એ જ ને કે સંસ્કૃત જાણતાં પંડિતો વિલન, અને કેદીમાંથી સંત બનેલો રાજુ મહાન આત્મા! અને વાર્તાકાર તો જેને વિલન ચિતરવા ઈચ્છે તેને તો સ્વાર્થ, લોભ, લાલચથી ખદબદતા જ દેખાડે તેમાં શી નવાઈ?
બીજો ખોટો આદર્શ ધુની પણ અભ્યાસુ સંશોધકને વિલન દેખાડી પત્નીની પરવા ન કરતો લાગણીહિન ક્રુર પતિ તરીકે દેખાડવો.
અરે ભાઈ, ખરેખર તો આવા મહાન પણ ધુની સંશોધકની નવી શોધમાં, તેના અભ્યાસમાં મદદરૂપ બનતી પત્ની આદર્શ ગણાય. નહીં કે પોતાના નૃત્યના શોખ માટે, નર્તકી બનવાની મહત્વાકાંક્ષા માટે પતિને છોડીને અજાણ્યા ગાઈડની ઘરે જતી રહેતી પત્ની! અને આગળ કહ્યું તેમ જેને વિલન ચિતરવાનો હોય તેનામાં અનેક દુર્ગુણો મુકવા અને જેને હિરો ચિતરવો હોય તેને પ્રેમાળ દેખાડ્યા વિના તો ફિલ્મ જામે જ નહીં! ફિલ્મો ભલે રંગીન હોય પણ લોકમાનસ તો "બ્લેક એન્ડ વ્હાઈટ"માં જ જુએ છે!
ત્રીજો ખોટો આદર્શ ભારતીય એરેન્જ મેરેજની તદ્દન ઉપજાવી કાઢેલી કલ્પના, તવાયફને મહિમામંડિત કરવી અને લગ્નબાહ્ય સંબંધને યોગ્ય સાબિત કરવામાં દેખાઈ આવે છે. જે રીતે તવાયફની દીકરી સાથે કોઈ શ્રીમંત અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક લગ્ન કરે છે એવું સમાજમાં તો બનતું નથી. એરેન્જ મેરેજનો કન્સેપ્ટ જ સુપાત્ર જીવનસાથી શોધવા માટે છે. નહીં તો લવમેરેજને જ સમાજ મહિમામંડિત કેમ ન કરે?
એ તવાયફની દીકરીનો નૃત્ય માટેનો પ્રેમ મહાન પણ સંશોધક પતિની નવી શોધ કરવાની ધુન ખરાબ! પ્રેમી સદગુણી અને પતિ દુર્ગુણી!
આજે તો બોલિવુડ ખુલ્લેઆમ ખોટા નેરેટિવ સેટ કરે છે તેને જાણીતા પત્રકાર જયવંત પંડ્યા બહુ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું ઉઘાડા પાડે છે. પણ "ગાઈડ" જોતા ખબર પડી કે રોગ તો બહુ જુનો છે. એ તો છેક હવે મોડે મોડેથી 'ધુરંધર' આવતા થયા છે
* * *